1 Kings 14

1તે સમયે યરોબામનો પુત્ર અબિયા બીમાર પડ્યો. 2યરોબામે પોતાની પત્નીને કહ્યું, “કૃપા કરીને ઊઠ અને તારો વેશ બદલ કે જેથી મારી પત્ની તરીકે તને કોઈ ઓળખે નહિ. તું શીલો જા. કેમ કે અહિયા પ્રબોધક ત્યાં રહે છે, જેણે મારા વિષે કહ્યું હતું કે, હું આ લોકોનો રાજા થવાનો છું. 3તારી સાથે દસ રોટલી, ખાખરા અને એક કૂંડી ભરીને મધ લઈને અહિયા પાસે જા. આ દીકરાનું શું થશે તે તને કહેશે.”

4યરોબામની પત્નીએ તે પ્રમાણે કર્યુ. તે તરત જ નીકળીને શીલો ગઈ, અહિયાને ઘરે આવી. અહિયાને દેખાતું નહોતું. વૃદ્ધાવસ્થાને લીધે તેની આંખો નબળી પડી હતી. 5યહોવાહે તેને કહ્યું કે, “જો, યરોબામની પત્ની પોતાના બીમાર દીકરા વિષે પૂછપરછ કરવા માટે તારી પાસે આવી રહી છે. તું તેને આ પ્રમાણે કહેજે. તે આવશે ત્યારે તે કોઈક બીજી જ સ્ત્રી હોવાનો દેખાવ કરીને આવશે.”

6આથી અહિયાએ જયારે બારણા આગળ તેનાં પગલાંનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે કહ્યું, “અંદર આવ, યરોબઆમની પત્ની, તું બીજી સ્રી હોવાનો દેખાવ શા માટે કરે છે? હું તને પાછી દુઃખદાયક સમાચાર સાથે મોકલવાનો છું. 7જા, જઈને યરોબામને જણાવ કે, ઇઝરાયલના ઈશ્વર યહોવા એવું કહે છે કે, ‘મેં તને એક સામાન્ય માણસમાંથી ઇઝરાયલનો રાજા બનાવ્યો. 8મેં દાઉદના કટુંબ પાસેથી રાજ્ય છીનવી લઈને તને આપ્યું. પણ તું મારા સેવક દાઉદ જેવો થયો નહિ. તે મારી આજ્ઞાઓ પાળતો હતો, પૂરા હૃદયથી મારા માર્ગે ચાલતો હતો તથા મારી નજરમાં જે સારું હોય તે જ કરતો હતો.

9પણ તેના બદલે તેં તારા બધા પૂર્વજો કરતાં વધારે ખરાબ કામો કર્યાં છે, તેં બીજા દેવો તથા ઢાળેલી મૂર્તિઓ બનાવીને મને રોષ ચઢાવ્યો. તેં મારી અવગણના કરી. 10તેથી હું તારા કુટુંબ પર આફત લાવીશ. તારા કુટુંબમાંનો દરેક નર બાળક જે ઇઝરાયલમાં બંદીવાન હોય કે સ્વતંત્ર હોય તેને હું નષ્ટ કરીશ. જેમ છાણ રાખ થાય ત્યાં સુધી બળ્યા કરે છે તેવી જ રીતે તારું સમગ્ર કુટુંબ નાશ પામશે.

11તારા કુટુંબમાંથી જેઓ શહેરમાં મરણ પામશે તેઓને કૂતરાં ખાશે અને જેઓ ખેતરોમાં મૃત્યુ પામશે તેઓને પક્ષીઓ ખાશે. કેમ કે યહોવા કહે છે. 12“તેથી ઊઠીને, તું તારે ઘરે જા. તું નગરમાં પહોંચશે તે જ સમયે તારો દીકરો મૃત્યુ પામશે. 13સર્વ ઇઝરાયલી લોકો તેને માટે શોક કરશે અને તેને દફનાવશે. તારા કુટુંબમાંથી એ એકલો જ હશે કે જે કબરમાં જવા પામશે. કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવા પ્રત્યે યરોબામના સમગ્ર કુટુંબમાંથી માત્ર આ છોકરામાં જ સારી બાબત માલૂમ પડી છે.

14પણ યહોવા ઇઝરાયલ માટે એક રાજા નિયુકત કરશે અને તે જ દિવસે તે યરોબઆમના કુટુંબનો અંત લાવશે. 15જેવી રીતે બરુ નદીમાં ઝોલાં ખાય છે તેવી જ રીતે યહોવા ઇઝરાયલ પર પ્રહાર કરશે. યહોવા ઇઝરાયલીઓને તેઓના પિતૃઓને આપેલા દેશમાંથી જડમૂળથી ઉખેડી નાખશે અને ફ્રાત નદીને પેલે પાર તેઓને વિખેરી નાખશે. કારણ કે અશેરીમનો સ્તંભ બનાવી તેઓએ યહોવાહને કોપાયમાન કર્યા છે. 16જે પાપો યરોબામે કર્યાં છે અને જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું છે તેને લીધે યહોવા ઇઝરાયલને તજી દેશે.”

17પછી યરોબામની પત્ની ઊઠી અને તે તિર્સા આવી પહોંચી. જ્યારે તેના ઘરના ઊમરા પર પહોંચી તે જ ઘડીએ દીકરો મૃત્યુ પામ્યો. 18યહોવાહે પોતાના સેવક અહિયા પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પ્રમાણે જ બધું બન્યું. તેઓએ તેને દફનાવ્યો અને આખા ઇઝરાયલે તેનો શોક પાળ્યો.

19યરોબામનાં બાકીનાં કાર્યો, તેણે કેવી રીતે યુદ્ધો કર્યા તે, કેવી રીતે રાજ્ય કર્યુ તે સર્વ બીનાઓ ઇઝરાયલના રાજાઓના પુસ્તક કાળવૃત્તાંતમાં નોંધાયેલી છે. 20યરોબામે એકવીસ વર્ષ રાજ કર્યું અને પછી તે તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો. તેના પછી તેનો પુત્ર નાદાબ તેની જગ્યાએ રાજા બન્યો.

21સુલેમાનનો પુત્ર રહાબામ જ્યારે એકતાળીસ વર્ષનો હતો ત્યારે તે યહૂદિયાનો રાજા બન્યો. ઇઝરાયલના સર્વ કુળોમાંથી યરુશાલેમ નગરને યહોવાહે પોતાનું નામ રાખવા માટે પસંદ કર્યુ હતું તેમાં રહાબામે સત્તર વર્ષ રાજ કર્યુ. રહાબામની માતાનું નામ નાઅમાહ હતું, તે આમ્મોની હતી. 22યહૂદિયાના લોકોએ યહોવાહની નજરમાં પાપ ગણાય એવું દુષ્ટ કામ કર્યું, તેમણે પૂર્વજોએ કરેલાં પાપોથી પણ વધારે પાપો કરીને યહોવાહને કોપાયમાન કર્યાં.

23તેઓએ દરેક ટેકરીઓ પર અને દરેક લીલાછમ વૃક્ષ નીચે ઉચ્ચસ્થાનો, પવિત્ર સ્તંભો અને અશેરાના સ્તંભ બાંધ્યા. 24એટલું જ નહિ, દેશમાં સજાતીય સંબંધોવાળા લોકો પણ હતા. જે સર્વ પ્રજાઓને યહોવાહે ઇઝરાયલ આગળથી હાંકી કાઢી હતી તેઓના સર્વ ધિક્કારપાત્ર કાર્યોનું અનુકરણ તેઓએ કર્યું.

25રહાબામના રાજયના પાંચમાં વર્ષે મિસરના રાજા શીશાકે યરુશાલેમ પર આક્રમણ કર્યું. 26તે યહોવાહના ભક્તિસ્થાનના અને રાજમહેલના બધા ભંડારોનો ખજાનો લૂંટી ગયો. તેણે સઘળું લૂંટી લીધું; સુલેમાને બનાવેલી સઘળી સોનાની ઢાલો પણ તે લઈ ગયો.

27રહાબામ રાજાએ તેને બદલે પિત્તળની ઢાલો બનાવડાવી અને રાજાના મહેલના પ્રવેશદ્વારનું રક્ષણ કરનારા સૈનિકોના નાયકોના હાથમાં આપી. 28અને એમ થયું કે જયારે રાજા યહોવાહના ભક્તિસ્થાનમાં જતો હતો, ત્યારે રક્ષકો તે ઢાલ સાથે લઈ જતા હતા તે પછી તે તેને રક્ષકોની ઓરડીમાં એટલે શસ્ત્રાગારમાં પાછી લાવતા હતા.

29હવે રહાબામનાં બાકીનાં કાર્યો, તેણે જે કર્યું તે સર્વ યહૂદિયાના રાજાના પુસ્તકમાં લખેલાં નથી શું? 30રહાબામ અને યરોબામના કુટુંબ વચ્ચે સતત વિગ્રહ ચાલ્યા કરતો હતો. આમ, રહાબામ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને તેઓની સાથે દાઉદ નગરમાં દફનાવવામાં આવ્યો. તેની માતાનું નામ નાઅમાહ હતું. તે આમ્મોની હતી. તેના પછી તેની જગ્યાએ તેના દીકરા અબીયામે રાજ કર્યું.

31

Copyright information for GujULB